કાલાવડ તાલુકાના ખીમાણી સપોસરા ગામની સીમમાં ચાપરા ગામના ડેમથી આવતા માર્ગ પર પ્રૌઢને આંતરીને ચાર શખ્સોએ એકસંપ કરી ધોકા વડે તથા મુંઢ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતાં સહદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.55) નામના પ્રૌઢ ખેડૂત સોમવારે બપોરના સમયે ચાપરા ગામના ડેમથી ખીમાણી સણોસરા તરફ બાઈક પર આવતા હતાં તે દરમિયાન આ રસ્તો બંધ કરેલ હોય જે સંદર્ભે અનિરૂધ્ધસિંહ ધીરુભા જાડેજાને પૂછતા તને આ રસ્તેથી નિકળવાની ના પાડી હોવા છતાં કેમ નિકળશ ? તેમ કહી અનિરૂધ્ધસિંઈ, રવિરાજસિંહ, યોગીરાજસિંહ અને દિવ્યરાજસિંહ શિવરાજસિંહ જાડેજા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી ધોકા વડે હુમલો કર્યો હતો. અને ઈજા પહોંચાડી મુંઢ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો જી આઈ જેઠવા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.