જામનગર શહેરના આંબેડકરબ્રીજથી વામ્બે આવાસ તરફના માર્ગ પર જતા યુવાને દારૂના પૈસા આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ યુવાનને લમધારી 20 હજારની લૂંટના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ,જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા આંબેડકરબ્રીજથી વામ્બેઆવાસ તરફ પ્રદિપ કારાભાઈ પઢીયાર (ઉ.વ.34) નામનો બાવરીયા ગામનો યુવાન જતો હતો તે દરમિયાન રસ્તામાં જ લુખ્ખા તત્વોએ યુવાનને આંતરીને મફતનો દારૂ પીવા પૈસાની માંગણી કરી હતી. જેથી યુવાને પૈસા આપવાની ના પાડતા ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રદિપ પઢીયાર ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને યુવાન પાસે રહેલી રોકડ રકમ ઝુંટવીને લઇ ગયા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે ભોગ બનેલા પ્રદિપના નિવેદનના આધારે ગુનો નોંધી લુખ્ખા તત્વોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દરેક વિસ્તારોમાં અડીંગો જમાવીને લુખ્ખા તત્વો પસાર થતા શહેરીજનોને હેરાન પરેશાન કરતા હોય છે અને ઘણી વખત રૂપિયાની માંગણી પણ કરતા હોય છે. જેના કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.