ખંભાળિયા તાલુકાના પટેલકા ગામે રહેતા યુવાન ઉપર પ્રેમપ્રકરણનો ખાર રાખી હંજડાપરના પાટિયા પાસે પાંચ શખ્સોએ આવીને અપહરણ કરી ધોકા વડે બેફામ માર માર્યો હતો. ઇજાગ્રસ્તને ફ્રેકચર સહિતની ઇજાઓ થતાં પોલીસે યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના પટેલકા ગામે રહેતા મુંજાભાઈ લખુભાઈ ચાવડા નામના 26 વર્ષના યુવાનને એક તરુણી સાથે વર્ષોથી અગાઉ કથિત પ્રેમ સંબંધ હોય અને આ તરુણી પણ તેની સાથે રહેવા માંગતી હોય, આ પ્રેમ પ્રકરણનો ખાર રાખીને થોડા દિવસો પૂર્વે આ બંને મોટરસાયકલ પર બેસીને પટેલકા ગામે જતા હતા. ત્યારે ગુરુવાર તા. 19ના રોજ હંજડાપર ગામના પાટિયા પાસે પહોંચતા છકડા રિક્ષામાં ધસી આવેલા જયેશ ગોવિંદ સોલંકી, નરેશ ગોવિંદ સોલંકી, અશ્વિન ગોવિંદ સોલંકી અને કેતન સોલંકી તથા ભાટિયાના દુદાભાઈ હીરાભાઈ ચાવડા દ્વારા ફરિયાદી મુંજાભાઈને રિક્ષામાં બેસાડીને ખંભાળિયા ખાતેના રહેણાંક મકાને લાવવામાં આવ્યા હતા. જ્યાં આરોપીઓ દ્વારા ધોકા વડે તેને બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડ્યાની તથા છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે ઇજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે આરોપીઓ સામે બી.એન.એસ. અને જી. પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. યુ. કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.


