પંજાબમાં ફરી એકવાર પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલાની ઘટના સામે આવી છે. તરનતારન જિલ્લાના સરહાલી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત્રે સાંઝ સેન્ટર પર રોકેટ લોન્ચર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઈમારતના કાચ તૂટી ગયા હતા. હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે બની હતી અને હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ વર્ષે ઓગસ્ટમાં મોહાલીમાં પંજાબ પોલીસના સ્ટેટ ઈન્ટેલિજન્સ હેડ ક્વાર્ટર પર આવો જ એક રોકેટ લોન્ચર હુમલો થયો હતો.
બાદમાં તે આતંકવાદી હુમલો હોવાનું બહાર આવ્યું હતું. સરહાલી પોલીસ સ્ટેશન પર હુમલાના સમાચાર મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રોકેટ લોન્ચર પોલીસ સ્ટેશનના લોખંડના ગેટ સાથે અથડાયું અને સાંઝ કેન્દ્રની બિલ્ડિંગ પાસે પડ્યું હતું જેના કારણે બિલ્ડિંગના કાચ અને બારીઓને નુકસાન થયું હતું. હુમલા દરમિયાન એસએચઓ પ્રકાશ સિંહ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ડ્યુટી ઓફિસર અને 8 પોલીસ કર્મચારીઓ હાજર હતા.