કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં રહેતા નરાધમ પુત્રએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા માતા-પિતાને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી કુહાડા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફીટકારજનક બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતા રામાભાઈ વાઘેલાનો પુત્ર વસંત શુક્રવારે સાંજના સમયે ઘરે આવી તેના પિતા રામાભાઈ અને માતા ચંપાબેન પાસે દારૂ પીવાના પેૈસાની માંગણી કરતા માતા-પિતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા નરાધમ પુત્રએ માતા-પિતાને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ પિતા ઉપર કુહાડા વડે હુમલો કરી માથામાં તથા હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. નરાધમ પુત્ર દ્વારા માતા-પિતા ઉપર કરાયેલા હુમલામાં ઘવાયેલા લોહીલુહાણ હાલતમાં પિતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ રામાભાઈના નિવેદનના આધારે પુત્ર વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.