કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામમાં રહેતાં પ્રૌઢ સાથે નજીવી બાબતે મહિલા સહિત પાંચ શખ્સોએ બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા રણમલભાઈ રામદેભાઈ જાદવ નામના 58 વર્ષના આધેડની ખેતીની જમીનમાં પશુઓના પગલાંઓના નિશાન હોવાથી આ નિશાન આરોપી પરિવારના મેરામણભાઈ જાદવ, લખમણભાઈ જાદવ, લીરીબેન લખમણભાઈ, મંજુબેન ભીમાભાઈ તથા ભાવુબેન ભીમાભાઈ જાદવના પશુઓના હોવાનું રણમલભાઈએ કહેતા આ અંગેનો ખાર રાખી, આરોપીઓએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, મહિલાઓએ પણ ફરિયાદી રણમલભાઈ જાદવને ઢીકા-પાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી રણમલભાઈ તથા તેમના પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં પાંચેય કુટુંબીજનો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.