ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી પાંચવાડી સ્કૂલ પાસે રહેતા નિમેષભાઈ જેન્તીભાઈ કણજારીયા નામના 25 વર્ષના દલવાડી યુવાન તેમના ધર્મપત્ની ક્રિષ્નાબેનને સાથે લઈને તેમને જી.જે. 10 બી.આર. 6399 નંબરની મોટરકારમાં બેસીને જામનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર એક હોટલ પાસે પહોંચતા આ હાઈવે રોડ ક્રોસ કરતી વખતે પોતાની કાર એક બાજુ ઊભી રાખી હતી. તે દરમિયાન આ સ્થળેથી બુલેટ મોટરસાયકલ લઈ નીકળેલા આશિષ ભારવાડીયા નામના યુવાન સાથે જઈ રહેલા અન્ય એક શખ્સે ફરિયાદી નિમેષભાઈની કાર આડે બુલેટ મોટરસાયકલ રાખી દીધું હતું. જેથી નિમેષભાઈએ આરોપીને બુલેટ સાઈડમાં લેવાનો કહેતા ઉશ્કેરાઈને બંને શખ્સોએ તેમની કારના કાચ તોડી, અને બોનેટમાં નુકસાની પહોંચાડી હતી.
આ પછી કારની બહાર આવેલા નિમેષભાઈને બંને શખ્સોએ બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. આ દરમિયાન ફરિયાદીના પત્ની ક્રિષ્નાબેન પણ વચ્ચે આવતા તેણીને પણ આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, માર મારીને નાસી છૂટ્યા હતા. આ પછી અહીં આવેલા અન્ય ત્રીજા આરોપી કુલદીપ નકુમ દ્વારા પણ તેઓને ગાળો કાઢી, માર માર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બઘડાટીમાં આરોપીઓ દ્વારા મોટરકારમાં રૂપિયા 60,000 ની નુકસાની કરી, દંપતીને બેફામ માર મારી, ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું આ ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે નિમેષભાઈ કણજારીયાની ફરિયાદ પરથી એક અજાણ્યા સહિત ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 427 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.