જામનગર નજીક આવેલા બેડી વિસ્તારમાં દરગાહ નીજીક માછીમારી કરવા આવેલાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ ઢીકા પાટુંનો માર મારી કુહાડીના ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતો હુસેન એલિયાસ કકલ નામનો યુવાન ગુરૂવારે સવારના સમયે તેના પિતા સાથે બેડી મરીન પાસે આવેલી કેમિકલ કંપની સામેના દરિયામાં માછીમારી કરવા જતો હતો ત્યારે ત્યાં માછીમારી કરતાં અવેશ ફિરોઝ નામના શખ્સે હુસેનને અગાઉ માછીમારી કરવા ન આવવાનું કહ્યું હતું. તેમ છતાં હુસેન માછીમારી કરવા ગયો ત્યારે અવેશ ફિરોઝ, અકરમ અને ચિનકો નામના ત્રણ શખ્સોએ હસેનને અપશબ્દો બોલી ઢીકાપાટુંનો માર માર્યો હતો અને અવેશે હાથમાં રહેલી કુહાડી કપાળના ભાગમાં અને માથાના પાછળના ભાગમાં તથા બંન્ને હાથમાં ઘા મારી ઇજા પહોંચાડી હતી. અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા હુસેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં બનાવની જાણ થતાં પીએસઆઇ આર.એ.વાઢેર તથા સ્ટાફે હસેનના નિવેદનના આધારે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.