જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની એરફોર્સ રોડ પરના વિસ્તારમાં સિકયોરિટીની નોકરી ન કરવા બાબતે થયેલી બોલાચાલી અને સમાધાનનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન ઉપર છરીનો ઘા ઝીંકી અન્ય યુવાનને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર આવેલી ડિફેન્સ કોલોનીમાં રહેતાં અને મજૂરી કામ કરતો જયેશ વિઠ્ઠલભાઈ ઓડીચ સ્વામિનારાયણ મંદિરમાં સિકયોરિટીની નોકરી કરતો હતો પરંતુ તેને નોકરી કરવી ન હોય તે બાબતે ક્રિષ્નરાજસિંહ ભરતસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું. આ બાબતનો ખાર રાખી ક્રિષ્નરાજસિંહ જાડેજા, મયુર પુનાતર, શકિતસિંહ પરમાર, બલરાજસિંહ જાડેજા નામના ચાર શખ્સોએ એકસંપ કરી સોમવારે રાત્રિના સમયે જયેશના ભાઈ વિઠ્ઠલ ઓડીચને આંતરીને છરીનો ઘા ઝીંકયો હતો તેમજ વિજયના પાડોશી ખેરાજભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલોનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.