- Advertisement -
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એટીએસ દ્વારા ગુપ્ત માહિતીના આધારે ગઈકાલે સોમવારે ભારતીય જળસીમામાં પાંચ ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે.
એ.ટી.એસ.ને ગઈકાલે સોમવારે મળેલી ચોક્કસ અને ગુપ્ત માહિતીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા હતા.
સોમવારે રાત્રિના સમયે આ ખાસ જહાજના પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ઓખા કિનારે 340 કિમી (190 નોતિકલ માઇલ) દૂર ઈરાની બોટનો પીછો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન કોસ્ટ ગાર્ડના જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પાડવામાં આવી હતી. ભારતીય જળ સીમામાં મળી આવેલા આ જહાજમાં ઈરાની નાગરિકતા ધરાવતા પાંચ ક્રૂ મેમ્બર હતા.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની બોર્ડિંગ ટીમ દ્વારા તપાસ દરમિયાન આ ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું જણાયું હતું. જે સંદર્ભે વ્યાપક તપાસ બાદ બોટમાંથી આશરે 425 કરોડની કિંમતનો 61 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો.
આથી આ બોટ પર કબજો મેળવી અને તમામ ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને વધુ તપાસ અર્થે ઓખા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર- 2021 માસમાં ઓખાના દરિયા મારફતે વિદેશથી આવેલો રૂ. 315 કરોડનો ડ્રગ્સનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પકડી પાડ્યો હતો ત્યારે ગતરાત્રે એ.ટી.એસ દ્વારા આ જ દરિયામાંથી આશરે રૂપિયા 415 કરોડનો ડ્રગ્સનો જથ્થો અહીં ઉતારવામાં આવે તે પૂર્વે સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો છે.
- Advertisement -