ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. ગઈકાલે તેમજ આજે વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદની શક્યતા સાથે સર્જાયેલા માવઠાંના માહોલએ ખાસ કરીને ધરતીપુત્રોને ચિંતામાં મૂકી દીધા છે. આજે સવારે પણ મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.
આ ઉપરાંત હળવા પવનનું જોર પણ રહ્યું હતું. જેના કારણે લોકો છેલ્લા બે દિવસથી શિયાળાની પ્રથમ અને નોંધપાત્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. વાતાવરણમાં આવેલા પલટા સાથે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા શાલ, ટોપી અને સ્વેટરમાં સજ્જ જોવા મળી રહ્યા છે. મોસમના આ બદલાવથી શરદી-ઉધરસ જેવા વાયરલ રોગોનું પ્રમાણ પણ વધ્યું છે.