અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ આરટીઈ પ્રવેશ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરટીઈ હેઠળ એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. જરૂર પડશે તો ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં પણ વધારો કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને શાળામાં આરટીઇ હેઠળ પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત તેમણે ફીમાં રાહત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ફીમાં રાહત મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધો.1માં આરટીઇ પ્રવેશ માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજ્યની 846 ખાનગી સ્કૂલોમાં ઝીરો બેઠક થઈ ગઈ છે. જેના લીધે આ વર્ષે 20 હજારથી વધુ બેઠકો ઘટી છે. જ્યારે ગત વર્ષે અને આ વર્ષે કુલ મળીને બે વર્ષમાં 34 હજાર બેઠકો ઘટતા ગરીબ વાલીઓને મોટું નુકસાન થયું છે. કારણ કે બેઠકો ઘટતા નાછૂટકે વાલીઓએ ખાનગી સ્કૂલમાં ઊંચી ફીમાં પ્રવેશ લેવો પડશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો.1માં ખાનગી સ્કૂલોની 25 ટકા બેઠકો પર નક્કી કરેલી કેટેગરીના બાળકોને નિયમાનુસાર મફત પ્રવેશ અપાય છે અને 14 વર્ષ સુધી બાળકનો અભ્યાસ વિનામૂલ્યે થાય છે. ગુજરાત સરકારે આરટીઇનો 2012થી સંપૂર્ણ અમલ કરતા ઘણા વર્ષોથી સરકાર દ્વારા સતત પ્રયત્નો અને નવિનતમ પહેલ સાથે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે અને તમામ સ્કૂલોને આરટીઇ હેઠળ આવરી લેતા છેલ્લા કેટલાક વર્ષોમાં બેઠકો પણ ડબલ થતા 2019માં ધો.1માં પ્રવેશ માટે એક લાખથી વધુ બેઠકો થતા 1.08 લાખ બેઠકો ઉપલબ્ધ થઈ ગઈ હતી.જો કે બીજી બાજુ આરટીઈ એક્ટના નિયમ મુજબ દર વર્ષે આગલા વર્ષમાં ધો.1માં જે તે સ્કૂલમાં જેટલા આરટીઈ પ્રવેશ થયા હોય તેને બાદ કરતા બાકીના રેગ્યુલર પ્રવેશ થયા હોય તેના 25 ટકા બેઠકો પ્રમાણે પ્રવેશ અપાય છે.
રાજયભરના વાલીઓને ‘બાપુ’ની ખાતરી
એક પણ વિદ્યાર્થી આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવાથી વંચિત રહેશે નહીં: શિક્ષણમંત્રી