રાજયપાલના અભિભાષણ સાથે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે શોકઠરાવ કરાયા બાદ બપોર પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક રજૂ કરવામાં આવશે. જયારે પ્રથમ દિવસથી જ વિધાનસભામાં કોંગ્રેસ આક્રમક મિજાજમાં જણાઇ રહી છે.
પેપર ફુટવા જેવી ઘટનામાં જવાબદારો સામે જેલ સજામાં વધારા સહિતની કડક જોગવાઇઓ સાથે વિધેયક મૂકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને વિપક્ષનો કે વિપક્ષી નેતાનો સત્તાવાર દરજ્જો આપવાની અધ્યક્ષે ના પાડી દીધી છે. પેપર ફુટવા સહિતની ઘટના અંગે કોંગી પ્રથમ દિવસથી જ આક્રમક મિજાજમાં જણાય છે. આવતીકાલે બજેટ રજુ થશે. ગુજરાતના પૂર્વ રાજ્પાલ ઓમ પ્રકાશ કોહલી અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. રમણભાઇ કંસારાભાઇ ચૌધરી તથા ગુજરાતના પૂર્વ સભ્યો સ્વ. નારણભાઇ કાળીદાસ પટેલ, સ્વ. દાઉદભાઇ મિયાભાઇ પટેલ, સ્વ. મહિપતસિંહ ભાવુભા જાડેજા અને સ્વ. હરેશકુમાર ઇન્દ્રપ્રસાદ ભટ્ટના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો થશે.
ત્યારબાદ વિધાનસભાના પહેલા સત્રમાં વિધાનસભાએ પસાર કરેલ અને જેને રાજ્યપાલની અનુમતિ મળી છે તેવું સન 2022નું વિધેયક ક્રમાંક-16 વિધાનસભાના મેજ ઉપર મૂકાશે. આજથી તા. 29 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે. રાજ્યમાં ભાજપે 7મી વખત શાસન સંભાળ્યા પછી પ્રથમ બજેટ સત્ર છે. ગૃહની કામગીરી દર બીજા અને ચોથા શનિવાર તથા તમામ રવિવાર સિવાઇના દિવસોમાં ચલાવવાનું નક્કી થયું છે. બેરોજગારી, મોંઘવારી, પેપર ફુટવા, કાયદો-વ્યવસ્થા વગેરે મુદ્દે કોંગ્રેસ આક્રમક મિજાજમાં છે. ગૃહમાં ભાજપનું સંખ્યાબળ 156 સભ્યોનું છે. કોંગીના 17, આમ આદમી પાર્ટીના 5, સમાજવાદી પાર્ટીના 1, 3 અપક્ષો ચૂંટાયા છે. સત્ર દરમિયાન સ્ટેમ્પ ડયુટીમાં ફેરફારને લગતુ વિધેયક પણ રજુ થવાની શક્યતા છે.


