ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામના વાડી વિસ્તારમાં રહેતા લક્ષ્મીબા સિધ્ધરાજસિંહ જીજીભા ચુડાસમા નામના 36 વર્ષના મહિલા દ્વારા આ જ વિસ્તારમાં રહેતા અજીતસિંહ રામસંગજી જાડેજા કિરીટસિંહ રામસંગજી જાડેજા અને શક્તિસિંહ અજીતસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો સામે બિભત્સ ગાળો કાઢી અને ખપારી વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આરોપીઓ પોતાના વાડીએથી મીની ટ્રેક્ટરમાં ભૂકો ભરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓનું ટ્રેક્ટર ફરિયાદી લક્ષ્મીબાના ઘર પાસે પહોંચતા તેમના ઘર પાસે રહેલા લીમડાના ઝાડ આરોપીઓને નડતા હોવાથી આ ઝાડ કાપવાનું કહેતાં લક્ષ્મીબાએ ઝાડ કાપવાની ના પાડતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.