ખંભાળિયા – દ્વારકા રેલમાર્ગ પર આવેલા ભાતેલ ગામના રેલવે ટ્રેક પર ગઈકાલે એક મુસાફર ટ્રેનની અડફેટે તેર જેટલા ગૌવંશ અને એક કૂતરાનું કમકમાટીભર્યા મૃત્યુ નિપજયાનું સામે આવ્યું છે.
આ કરુણ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના પાદરમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ગત મોડી સાંજના સમયે અજાણતા ચડી આવેલા કેટલાક ગૌવંશ તેમજ કુતરાને પસાર થતી એક પેસેન્જર ટ્રેને ઠોકરે લીધા હતા. આ અંગેની વધુ વિગત મુજબ ભાતેલ ગામની બાજુમાં કોઈ શખ્સો વાહન મારફતે ગૌવંશ તેમજ કુતરાને ઉતારી ગયા હતા. જે આ રસ્તાથી અજાણ હોય એ રેલવે ટ્રેક પર ચડી ગયા હતા જેને ટ્રેને અડફેટે લેતા ગાય-બળદ જેવા 13 ગૌવંશ અને એક કૂતરાનું કપાઈ જવાથી મૃત્યુ નિપજ્યું હતું.
નાની વાછરડી સહિતના આ અબોલ પશુઓના કપાઈ જવાથી મૃત્યુ થયાના બનાવે કરુણ દ્રશ્ય સર્જાવી દીધા હતા. ટ્રેકની બંને બાજુ પશુઓના કપાઈ ગયેલા અંગો જોવા મળ્યા હતા. આ અંગેની જાણ સેવાભાવી કાર્યકરોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત એવા બે ગૌવંશને પશુ હોસ્પિટલે પહોંચાડી, સારવાર માટેની વ્યવસ્થા કરાવી હતી.