જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક અકસ્માતમાં ત્રણ જવાનો શહીદ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માછલ સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન સેનાનું વાહન ઉંડી ખીણમાં પડી ગયું હતું. તેમાં સવાર ત્રણ જવાનોના મોત થઈ ગયા છે. બાદમાં જવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફોરવર્ડ એરિયામાં બરફથી ઢંકાયેલા રસ્તા પર પેટ્રોલિંગ કરતી વખતે વાહનનું પૈડું સ્લીપ થઈ ગયું હતું. મૃતકોમાં 1 જેસીઓ અને બે ઓઆર (અન્ય રેન્ક)ના જવાનો સામેલ છે. ભારતીય સેનાએ બુધવારે આ દુર્ઘટનાની જાણકારી આપી છે. હાલના દિવસોમાં માછલ સેક્ટરમાં એટલી હિમવર્ષા થઈ રહી છે કે, કેટલીક જગ્યાએ એક ફૂટ સુધી બરફ જમા થઈ ગયો છે. આવી સ્થિતિમાં મુસાફરી જોખમથી મુક્ત નથી. સેનાએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે જવાનો કઘઈ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, જેસીઓ અને અન્ય બે રેન્કના જવાનો માછલ સેક્ટરમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
કુપવાડામાં જ નવેમ્બર મહિનામાં ગ્લેશિયર તૂટવાથી ત્રણ જવાનો શહીદ થયા હતા. આ ઘટના પણ માછલ સેક્ટરમાં બની હતી. અચાનક બરફનો પહાડ પડ્યો. જેમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ ઘણા સૈનિકો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.