જામનગરના રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટસ એસોસિએશન દ્વારા લેન્ડ રેકર્ડ સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવી સ્વામીત્વ પ્રોજેકટ અન્વયે ગ્રામ્ય વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ સંદર્ભે જામનગર શહેર સિટી સર્વે કચેરી ફરીથી શરૂ કરવા રજૂઆત કરી હતી.
મળતી વિગત મુજબ,તાજેતરમાં જ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સ્વામત્વ પ્રોગ્રામ અંતર્ગત કામગીરી હાથ ધરી અને સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલી છે. આ સ્ટાફ સિટી સર્વે કચેરી 1 અને 2 માંથી નિયુકત કરવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લાં 15 દિવસથી સિટી સર્વે કચેરીઓ સંપૂર્ણ બંધ હાલતમાં છે. ત્યાંની રોજીંદી કામગીરી પણ સંપૂર્ણપણે બંધ છે. આ કચેરીમાં બેસતા ઓપરેટરો અને પટ્ટાવાળાઓને અધિકારી સંબંધિત પૂછપરછ કરતા તેઓ જવાબ આપે છે કે, કર્મચારીઓ સ્વામીત્વ કામગીરીમાં રોકાયેલ હોવાથી ત્રણથી છ મહિના સુધી કચેરીના કાર્યો નિયમિત થઈ શકશે નહીં. આમ સરકારના આવા નિર્ણયને કારણે આ કચેરીને તાળુ મારવા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આગામી તા.15 એપ્રિલ 2023 થી જંત્રી વધારવા સબબે કરાયેલા નિર્ણયને કારણે હાલના સમયમાં પૂષ્કળ પ્રમાણમાં વેંચાણ દસ્તાવેજો થવાની શકયતાઓ રહેલી છે. આવા સંજોગોમાં સિટી સર્વે કચેરીમાંથી મિલ્કતધારકને વેચાણ આપનારને નામજોગનું અને ખરીદ દસ્તાવેજ બાદ પોતાના નામજોગ પ્રોપર્ટી કાર્ડની આવશ્યકતા રહેતી હોય તેમજ બેંકોને પણ બોજાનોંધ કરવાની રહેતી હોય તથા વારસાઈ નોંધો કરવા રીલીઝ ડીડના દસ્તાવેજો પણ કૌટુંબિક મિલક્તોમાં કરવાના થતા હોવાથી આ કચેરી બંધ હોવાના કારણે અરજીઓનો ભરાવો થઈ શકે તેમ છે. જેના કારણે પ્રજાને તથા અરજદારોને હાડમારી ભોગવવી પડે છે. જેથી રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટસ
એસોસિએશનના પ્રમુખ કરણ વારોતરીયા, સેક્રેટરી કેતન દોઢીયા, ટે્રઝરર ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કમલેશ સોઢા, જોઇન્ટ સેક્રેટરી મુકેશ ગડારા તથા સભ્યો દ્વારા લેન્ડ રેકર્ડના સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવી સિટી સર્વે કચેરી તાત્કાલિક ધોરણે રાબેતા મુજબ શરૂ કરવા માંગણી કરી હતી.