મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આવાસ એન્ટિલિયા બહાર વિસ્ફોટક અને ધમકીભર્યો પત્ર લખેલી કાર મળી આવ્યાની ઘટનામાં સનસનીખેજ વળાંક આવ્યો છે. જે સંદિગ્ધ કાર મળી આવી હતી તેના માલિક હિરેન મનસુખનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હિરેને આપઘાત કર્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ઘટના બાદ સમગ્ર કેસ વધુ ગુંચવાયો છે. આ ઘટના બાદ મુંબઈ પોલીસ કમિશનરને વિધાનભવન બોલાવવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની એનઆઈએ પાસે તપાસ કરાવવાની માગણી કરી છે. ઘટનાની સંવેદનશિલતાને ધ્યાને રાખીને તપાસ એટીએસને સોંપવામાં આવી છે. હિરેનના પરિવારે આરોપ મુક્યો છે કે તેની પાછળ કોઈ મોટુ ષડયંત્ર છે. મૃતદેહ મળ્યો ત્યારે તેના મોઢામાં પાંચ રૂમાલ હતા. જેને લઈને શંકા વધુ ઉંડી બની છે. મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચ દ્વારા મારા પતિને બોલાવવામાં આવ્યા હતાં.
સુચના મળતા જ નૌપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાતનો મામલો લાગી રહ્યો છે. તેવામાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે હિરેન મનસુખના આપઘાત પાછળનું કારણ શું છે. મુકેશ અંબાણીના આવાસ બહાર જે કારમાંથી વિસ્ફોટ મળી આવ્યા હતા તે કારનો માલિક હિરેન મનસુખ હતો. મૃતદેહ મળતા જ પોલીસ હરકતમાં આવી છે. મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહ અને સંયુક્ત પોલીસ આયુક્ત મિલિંદ ભારંબેને વિધાનભવન બોલાવવામાં આવ્યા હતા. જો કે બહાર નિકળ્યા બાદ બન્નેએ ઘટના અંગે કોઈપણ નિવેદન આપવાનો ઈનકાર કરી દીધો હતો. માત્ર એટલું જ કહ્યું હતું કે હિરેન મનસુખે આપઘાત કર્યો છે જેની પુષ્ટિ થઈ ચૂકી છે. બાકીની જાણકારી બાદમાં આપવામાં આવશે.
એવી પણ જાણકારી સામે આવી છે કે હિરેનના પરિવારે આજે જ ગુમ નોંધ દાખલ કરાવી હતી. સમગ્ર ઘટના અંગે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે સનસનીખેજ આરોપ મુક્યા છે. તેમજ ઘટનાની એનઆઈએ પાસે તપાસ કરાવવાની માગી કરી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, તેઓએ હિરેન મનસુખને સુરક્ષા આપવાની માગણી કરી હતી. કહ્યું હતું કે તે ઘટનામાં મુખ્ય કડી છે અને તેના ઉપર જોખમ છે. હવે સામે આવ્યું છે કે મૃતદેહ મળી આવ્યો છે. જેનાથી કેસ વધુ ગુંચવાયો છે.