સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા , જે કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરે છે અને એને મંજૂરી આપનાર ICMR અને WHO સામે લખનઉના એક વેપારીએ FIR દાખલ કરવા માટે અરજી કરી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ચલાવતા પ્રતાપ ચંદ્રનો આરોપ છે કે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા પછી પણ એન્ટિબોડીઝ તેમના શરીરમાં વિકાસ પામી ન હતી. આ લોકો સાથે છેતરપિંડી છે, તેથી એને તૈયાર કરનારી કંપની અને એને મંજૂરી આપતી સંસ્થાઓની જવાબદારી સામે કાર્યવાહી કરવી જોઈએ. પ્રતાપે SSIના CEO અદાર પૂનાવાલા, ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવ, WHOના DG ડો. ટેડ્રોસ અધોનમ ગેબ્રેસસ, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી, લવ અગ્રવાલ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિયામક, અપર્ણા ઉપાધ્યાય સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ઈન્સ્પેક્ટર પુરુષોત્તમ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. સરકારી સ્તરે એની તપાસ કરવામાં આવશે.
ICMR અને WHOએ સ્પષ્ટ કહ્યું હતું કે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદથી જ એન્ટિબોડી તૈયાર થવા લાગશે, પરંતુ મારામાં બની નહીં. SII એ આ વેક્સિનને બનાવી છે. ICMR, WHO અને આરોગ્ય મંત્રાલયે એને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશને એનો પ્રચાર કર્યો, માટે તે લોકો પણ દોષિત છે.
મારી સાથે છેતરપિંડી થઇ છે. મારો જીવ પણ જઇ શકતો હતો. આ માટે મેં હત્યાના પ્રયાસ અને છેતરપિંડીની કલમ લગાવવા માટે અરજી કરી છે. પ્રતાપે કહ્યું હતું કે ’હું એકલો જ નથી, જેમાં એન્ટિબોડી ડેવલપ થઈ નથી. મારી જેવા અનેક લોકો પણ છે. આ માટે હું 6 તારીખે કોર્ટ ખૂલવા પર અરજી દાખલ કરીશ. આ સરકારનું કામ છે કે એ તપાસ કરે કે મારી અને મારા જેવા અનેક લોકો સાથે શું થઈ રહ્યું છે? મારામાં કેમ એન્ટિબોડી ડેવલપ થઈ નથી.શું મને જે ઇન્જેકશન આપવામાં આવ્યું હતું એમાં પાણી ભરેલું હતું?