મનસુખ હિરેન હત્યાના મામલામાં મહારાષ્ટ્ર પોલીસની એટીએસ ટીમે બે લોકોની ધરપકડ કરી છે.જેમાંથી એક ક્રિકેટ બૂકી છે અને એક મુંબઈ પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ છે.
મળતી વિગતો પ્રમાણે બૂકી નરેશ રમણિકલાલ ગોર (31) અને પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક બાળાસાહેબ શિંદે (51) ને આજે બપોર બાદ પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે. વિનાયક શિંદે પર અગાઉ એક એન્કાઉન્ટરનો પણ આરોપ છે અને હાલમાં તે પેરોલ પર બહાર છે.આ પહેલા એટીએસ દ્વારા એન્ટીલિયા કેસમાં એનઆઈએ દ્વારા પકડવામાં આવેલા મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી સચિન વાજેની કસ્ડી માંગવામાં આવી હતી.જોકે કોર્ટે કહ્યુ હતુ કે, 25 માર્ચ બાદ એટીએસને તેમની કસ્ટડી મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોરપિયો કાર પાર્ક કરાઈ હતી.કારના માલિક મનસુખ હિરેનનુ એ પછી રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ.મનસુખ હિરેનનો મૃતદેહ થાણે પાસેની ખાડીમાંથી મળી આવ્યો હતો.શરુઆતમાં મનસુખ હિરેને આત્મહત્યા કરી હોવાની થીયરી મહારાષ્ટ્ર પોલીસે રજૂ કરી હતી.
જોકે એ પછી તેમની હત્યા કરાઈ હોવાના સાંયોગિક પૂરાવા મળ્યા હતા.દરમિયાન સૂત્રોનો દાવો છે કે, મનસુખ હિરેને મોતના થોડા દિવસ પહેલા જ પોલીસ કર્મીઓ અને મીડિયા કર્મીઓ પરેશાન કરી રહ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. દરમિયાન આ મામલામાં સચિન વાજેની ધરપકડ બાદ એક પછી એક થઈ રહેલા ખુલાસાઓથી રાજકીય ધરતીકંપ સર્જાયો છે.
દરમિયાન આરોપી પાસેથી 03 મોબાઇલ અને વોડાફોન ગુજરાતનાં 8 સિમકાર્ડ મળી આવ્યાં છે. જો કે, મનસુખને કારમાં લઇ ગયા તે, ગુનામાં વાપરેલા વધુ મોબાઇલ, મનસુખના શરીર પરથી સોનાની ચેન, પુખરાજનો હીરો, ધડિયાળ, પાકીટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ એટીએસને હજુ મળ્યાં નથી. જેની શોધ ચાલી રહી છે. જોકે હવે આ કેસ એનઆઇએને સોંપી દીધો હોવાથી હમણાં સુધીના પુરાવા એટીએસ તેનો વિધિસર પત્ર મળ્યા પછી સોંપી દેશે.