માર્ચ 2021થી શરૂ થયેલી કોરોનાની બીજી લહેર જામનગર શહેર અને જ્લ્લિા માટે જીવલેણ સાબિત થઇ છે. કોરોનાની આ બીજી લહેર અત્યાર સુધીમાં સતાવાર રીતે 306 માનવ જીંદગી ભરખી ગઇ છે. જયારે બીન સતાવાર રીતે એટલે કે, જેમના મોત કોરોનાથી ગણવામાં આવ્યા નથી.તેનો આંકડો 3500થી વધુ છે.આમ કોરોનાની બીજી લહેર જામનગર માટે ખુબ જ ભયાવહ સાબિત થઇ છે. આ લહેર થોડી શાંત પડી છે. પણ હજુ સંપુર્ણ પણે સમી નથી. મોતનો આંકડા જરૂર ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાજનક સ્તરે બની રહ્યા છે.
ભારતમાં ફેબ્રુઆરી 2020માં કોરોનાની સતાવાર એન્ટ્રી થઇ હતી. જયારે જામનગર શહેર અને જિલ્લામાં દરેડથી એપ્રિલ 2020માં કોરોનાનો પ્રથમ કેસ અને પ્રથમ મોત સામે આવ્યા હતાં. ત્યારથી શરૂ થયેલી પ્રથમ લહેર છેક નવેમ્બર સુધી ચાલી હતી.આ સમયગાળા દરમ્યાન શહેર અને જિલ્લામાં કોરોનાથી સતાવાર મૃત્યુનો આંકડો 35 હતો. જયારે કો-મોર્બીડ દર્દીઓના મૃત્યુની સંખ્યા 700થી વધુ હતી. એક સમય એવો પણ આવ્યો હતો. જયારે જામનગર શહેરમાં કોરોનાના નવા કેસ શૂન્ય થઇ ગયા હતાં. આ સમય ગાળા દરમ્યાન લગભગ કોરોના સમાપ્ત થઇ ગયાનું માની લેવામાં આવ્યું હતું. લોકો પણ લાપરવાહ અને બેફિકર બની ગયા હતાં. જયારે તંત્ર પણ હવે કોરોના આવવાનો જ નથી. તેમ માનીને ભવિષ્યની તૈયારીઓ કરવાનું ચૂકી ગયું. જે સૌથી મોટી ભુલ સાબિત થઇ.
માર્ચ 2021થી પ્રારંભ થયેલી કોરોનાની બીજી લહેરને પ્રારંભમાં હળવાશથી લેવામાં આવી. પરિણામે એપ્રિલમાં આ લહેર એટલી ભયાવહ બની કે જામનગરને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર લગભગ કોલેપ્સ થઇ ગયું. ત્યાં સુધી કે, જિલ્લા કલેકટરે અડધી રાત્રે જામનગરની કોવિડ હોસ્પિટલની ભયાવહ સ્થિતિ દર્શાવતી તસ્વીરો મીડિયાને પાઠવી. નવાં કોઇપણ દર્દીને જી.જી. કોવિડ હોસ્પિટલમાં નહીં લાવવા અપીલ કરવી પડી હતી. આ સ્થિતિ ઘણાં દિવસો સુધી ચાલી અને આ એજ સમય હતો જયારે કોરોનાની આ બીજી લહેર જામનગર માટે જીવલેણ બની.સારવારમાં વિલંબ, લાબું વેઇટીંગ લિસ્ટ, ઓકિસજનનો અભાવ, ઇંજેકશનનો અભાવ, મર્યાદિત વેન્ટિલેટર્સ જેવાં અનેક કારણોને કારણે આખરે આ લહેર મોતની લહેર બની ગઇ. પરિણામ સ્વરૂપ બીજી લહેરના માત્ર ત્રણ મહિનામાં જ 306 વ્યકિતઓએ સતાવાર રીતે કોરોનાથી જીવ ગુમાવ્યો.જે પ્રથમ લહેરમાં આંકડો માત્ર 35 હતો. આ ઉપરાંત બિન સતાવાર રીતે મોતનો આંકડો ખુબ જ ડરાવનારો છે. જેમના મોત કો-મોર્બીડ ગણવામાં આવ્યા છે. તેનો આંકડો 3500થી પણ વધી ગયો. આ સિલસીલો હજુ થમ્યો નથી.
જામનગરમાં અત્યાર સુધીમાં કોરોનાથી સતાવાર રીતે કુલ 341 વ્યકિતઓના મોત થયા છે. જયારે બિન સતાવાર રીતે 4300 જેટલાં દર્દીઓના મોત જામનગરની કોવિડ હોસ્પિટલમાં આ સમગ્ર કોરોનાકાળ દરમ્યાન થયા છે. તજજ્ઞો દ્વારા બીજી લહેર શાંત થયા બાદ ત્રીજી લહેરની સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીજી લહેર ન આવે અને આવે તો આટલી ઘાતક પૂરવાર ન થાય તે માટે આપણે સૌ એ અત્યારથી જ ચેતી જવું જરૂરી છે. આપણાં દેશનું જે પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. તે જોતાં કોરોના પ્રોટોકોલમાં સ્વયં શિસ્ત જ આપણને કોરોનાની ત્રીજી લહેરથી બચાવી શકશે.
જામનગર માટે જીવલેણ સાબિત થઇ કોરોનાની બીજી લહેર
પ્રથમ લહેરમાં 35 તો બીજી લહેરમાં 306 વ્યકિતના સતાવાર કોરોનાથી મોત: કુલ 4300 વ્યકિતને ભરખી ગયો કોરોનાકાળ