દેશમાં ગુરૂવારે કોરોના વાયરસના 1,86,163 કેસ સામે આવ્યા હતા જે 44 દિવસનો સૌથી ઓછો આંકડો છે. જો કે મૃતકઆંક હજુ પણ 3,000ને પાર જ છે. સૌથી વધુ મૃત્યુ કર્ણાટકમાં થયા છે અને તેના પછીના ક્રમે તમિલનાડુ છે. સપ્તાહમાં બીજી વખત કોરોના સંક્રમણનો આંકડો 2 લાખથી ઓછો નોંધાયો છે. સોમવારે પહેલી વખત 2 લાખ કરતા ઓછા કેસ નોંધાયા હતા. ગત 13 એપ્રિલના રોજ સૌથી ઓછા 1,85,295 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન કર્ણાટકમાં સૌથી વધુ 476 લોકોના મોત થયા જ્યારે તમિલનાડુમાં 474 લોકોએ અંતિમ શ્વાસ લીધો હતો. યુપીમાં 188, કેરળમાં 181, પંજાબમાં 178, બંગાળમાં 148, દિલ્હીમાં 117 અને આંધ્ર પ્રદેશમાં 104 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોનાના 21,273 નવા કેસ સામે આવ્યા હતા જેથી રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 56,72,180 થઈ ગયા જ્યારે 425 લોકોના મોત સાથે રાજ્યનો કુલ મૃતકઆંક વધીને 92,225 થઈ ગયો હતો. 425 મૃત્યુ પૈકીના 267 લોકોના મોત છેલ્લા 48 કલાકમાં થયા જ્યારે 158 મોત ગત સપ્તાહે નોંધાયા હતા. કર્ણાટકમાં કોવિડ-19ના 24,214 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 25 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે સંક્રમણના કારણે 476 દર્દીઓના મોત થયા હતા. 31,459 દર્દીઓને સંક્રમણમાંથી મુક્ત થવાના કારણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જે નવા કેસ કરતા મોટો આંકડો છે. નવા કેસમાં સૌથી વધારે 5,949 કેસ બેંગલુરૂ અર્બન ખાતેથી સામે આવ્યા છે.