ફીફા વર્લ્ડકપમાં ઉલટફેરનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સતત બીજા દિવસે એશિયન ટીમે દિગ્ગજ ટીમને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. દુનિયાની 24મા નંબરની ટીમ જાપાને 11મું રેન્કીંગ ધરાવતી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને 2-1થી પરાજય આપ્યો છે. સઉદી અરબ બાદ જાપાનની આ જીત એશિયન ટીમોના ‘પાવર’નો પૂરાવો આપે છે.
સઉદી અરબ અને જાપાન દ્વારા કરવામાં આવેલા ઉલટફેરમાં ગજબની સમાનતા જોવા મળી છે. બન્ને ટીમોએ પ્રથમ હાફમાં 1-0થી પાછળ થયા બાદ જીત મેળવી છે. બન્ને વિરુદ્ધ પ્રથમ ગોલ પેનલ્ટીથી જ થયો છે. બીજા હાફમાં વિજેતા ટીમે બે ગોલ અત્યંત ઓછા સમયમાં માર્યા છે. સઉદી અરબે જ્યાં આર્જેન્ટીના વિરુદ્ધ પાંચ મિનિટની અંદર બે ગોલ કર્યા તો જાપાને આઠ મિનિટની અંદર બબ્બે ગોલ કર્યા છે. જર્મની માટે ‘જાપાની મેસ્સી’ ગણાતા રિત્સુ દોઅન (75મી મિનિટ) અને તાકુમા અસાનો (83મી મિનિટ)એ ગોલ કર્યો હતો. જ્યારે જર્મની વતી એકમાત્ર ગોલ ઈલ્કે ગુંડોગન (33 મી મિનિટ)એ કર્યો છે.
જાપાને વર્લ્ડકપના પોતાના 24 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મેચમાં પાછળ થઈ ગયા બાદ વાપસી કરીને જીત હાંસલ કરી છે. 1998થી સતત સાતમીવાર આ વૈશ્ર્વિક ટૂર્નામેન્ટમાં રમી રહેલા જાપાને સતત બીજી અને કુલ ત્રીજીવાર પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો છે.
વર્લ્ડકપમાં 44 વર્ષ બાદ જર્મનીની ટીમ પહેલાં હાફ સુધી લીડ મેળવ્યા બાદ કોઈ મુકાબલો હારી છે. આ પહેલાં આર્જેન્ટીનામાં 1978માં ઑસ્ટ્રિયા વિરુદ્ધ લીડ લીધા બાદ ટીમ 2-3થી હારી હતી. સતત બીજી અને કુલ ત્રીજીવાર જર્મનીની ટીમ પોતાનો પ્રથમ મુકાબલો હારી છે. પાછલીવાર તેને પ્રથમ મુકાબલામાં મેક્સિકોએ 0-1થી હરાવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ કોરિયાએ 2-0થી હરાવીને તેને શરૂઆતમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું.