ગુજરાતમાં આવતીકાલથી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થશે. આગામી 3-4 દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 6 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ગત રાત્રિએ રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતું. 14.4 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જોકે, આગામી 14-15 જાન્યુઆરીના નલિયામાં પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં 17 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 14થી 16 જાન્યુઆરીમાં પારો 9 ડિગ્રી સુધી ગગડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી શુક્રવારથી સોમવાર કડકડતી ઠંડી પડશે. જોકે, મંગળવારથી ઠંડીમાં ઘટાડો અનુભવાશે.