દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા સબબ બે દિવસ પૂર્વે ખંભાળિયા બાદ ગઈકાલે ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામના શખ્સ સામે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા રામસંગભા શિવુભા જાડેજા નામના 68 વર્ષીય ક્ષત્રિય વૃદ્ધની આ વિસ્તારમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 68 તથા નવા સર્વે નંબર 131 વાળી 1-64-35 નું ક્ષેત્રફળ ધરાવતી 10 વીઘા જેટલી કિંમતી જમીન પર યેનકેન પ્રકારે આ વિસ્તારના રહીશ એવા દુદાજી ઘેલાજી જાડેજા નામના શખ્સ દ્વારા છેલ્લા સાતેક વર્ષના સમયગાળા દરમ્યાન આ જગ્યામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને ગેરકાયદેસર કબજો મેળવી લીધો હતો. આ જમીન પર દુદાજીએ બે પાકા મકાન તથા કુવો બનાવી અને આ જગ્યા ઉપર પોતાનો કબજો જમાવી લીધો હતો. આમ, રૂપિયા વીસ લાખ જેટલી બજાર કિંમત તેમજ સરકારી જંત્રી મુજબ રૂ. 3,28,700 ની કિંમત ધરાવતી ઉપરોક્ત ખેતીની જગ્યા પચાવી પાડવા સબબ રામસંગભા શિવુભા જાડેજા દ્વારા દુદાજી ઘેલાજી જાડેજા સામે સલાયા મરીન પોલીસ મથકના જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.