Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીકના ટોલનાકે વધુ એક બબાલ

ખંભાળિયા નજીકના ટોલનાકે વધુ એક બબાલ

- Advertisement -

ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા ટોલનાકા ખાતે ગઈકાલે કારમાં જઈ રહેલા ત્રણ યુવાનો સાથે ઝપાઝપી કરી, જીવલેણ હુમલો કરવા સબબ કુલ 14 શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટી- 1 ખાતે રહેતા દેવુભાઈ ડાડુભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાન ગઈકાલે બપોરના સમયે ખંભાળિયા – જામનગર હાઇવે પર ધરમપુર – દાતા ટોલનાકા પાસેથી પોતાની જી.જે. 01 કે.એન. 8578 નંબરની સ્વીફ્ટ ડિઝાયર મોટરકાર લઈને જામનગરથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર ફાસ્ટટેગ દ્વારા ટોલ ટેક્સ કપાવવા માટે આ સ્થળ ઉભી રાખી હતી.

આ દરમિયાન કોઈ કારણોસર આ સ્થળે રહેલા કેટલાક શખ્સો હથિયારો સાથે તેમની પાસે આવ્યા હતા અને કિશન ગઢવી નામના શખ્સે ફરિયાદી દેવુભાઈ ચાવડાને ટોલટેક્સ આપવા કહેતા તેમણે ફાસ્ટટેગ વડે ટોલ ટેક્સ આપવાનું કહ્યું હતું.

- Advertisement -

આનાથી કોઈ કારણોસર ઉશ્કેરાયેલા નાગડા ગઢવી, સામરા ગઢવી, રાજદિપસિંહ, ધવલ ગઢવી, નિખિલ, સુનિલગીરી, અનોપ મેનેજર અને પ્રકાશ ગઢવી નામના શખ્સોએ દેવુભાઈ સાથે બોલાચાલી કરી તેમને બિભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, આરોપી કિશન ગઢવી, નાગડા ગઢવી અને સામરા ગઢવીએ દેવુભાઈને માર મારી તેમની મોટરકારની ચાવી કાઢી લીધા બાદ તેમને થોડે દૂર જઈ અને ઝપાઝપી કર્યા પછી ઓફિસની અંદર લઈ જઈને આરોપીઓએ ફરિયાદી દેવુભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદ પરેશભાઈ લાખાભાઈ ચાવડા અને જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજાને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ આરોપીઓએ ફરિયાદી દેવુભાઈ તથા તેમની સાથેના સાહેદોને મારી નાખવાના ઇરાદાથી અન્ય એક આરોપી હર્ષદ ગઢવીએ પરેશ ચાવડાને માથામાં ધોકો ફટકારી દીધો હતો. જ્યારે આરોપી અનોપ મેનેજરએ જયદીપસિંહને ધોકા વડે માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ દરમિયાન 0007 નંબરની થાર મોટર કારમાં આવેલા આરોપી ઉદય ગઢવી અને સાજા ગઢવીએ ફરિયાદી દેવુભાઈ તથા સાહેદોને ઓફિસમાં બંધ કરી આ ઓફિસમાં કિશન ગઢવીએ મારી નાખવાના ઈરાદાથી ફરિયાદી દેવુભાઈને બેફામ માર મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય આરોપી યાસીન અને મનોજ ગઢવીએ પણ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ બનાવના પગલે ટોલનાકે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને સીસીટીવી કેમેરા કબજે લેવા અંગેની કાર્યવાહી કરી હતી.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે દેવુભાઈ ચાવડાની ફરિયાદ પરથી ગેરકાયદેસર મંડળી રચી, મારી નાખવાના ઇરાદે હુમલો કરવા સબબ તમામ 14 આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 307, 143, 147, 148, 149, 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ પી.આઈ. ડી.એમ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. બઘડાટીના આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular