દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી અને “પાસા” શાસ્ત્ર ઉગામ્યું હતું. આ સાથે આજરોજ એલસીબી પોલીસે જુદા જુદા કેસમાં સંડોવાયેલા દારૂ પ્રકરણના એક આરોપીને પાસા તળે જેલ હવાલે ધકેલી દીધો છે.
પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ, જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ખાતે રહેતા રાજુ મુરુભાઈ કોડીયાતર નામના 28 વર્ષના શખ્સ સામે થોડા સમય પૂર્વે ઇંગ્લિશ દારૂ સહિતના જુદા જુદા ગુનાઓ નોંધાયા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉપરોક્ત આરોપી સામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી આધાર-પુરાવાઓ સાથેના દસ્તાવેજો તૈયાર કરાવી અને પાસા અંગેની દરખાસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સમક્ષ મુકવામાં આવી હતી. જે માન્ય રાખીને ઉપરોક્ત આરોપી રાજુ મુરુભાઈ કોડીયાતર સામે પાસાનુ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ એલ.સી.બી. પોલીસે આરોપી રાજુ કોડીયાતરની વિધિવત રીતે અટકાયત કરી, અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.