ગુજરાતમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે તા. 18થી 20 ઓક્ટોબરના સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટોરેસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની ખાતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક ખાસ પર્યાવરણ કાર્યક્રમનું લોન્ચીંગ કરશે. કેન્દ્ર સરકાર દર બે વર્ષે વિશ્ર્વમાં ભારતના ડીપ્લોમેટીક મિશનના વડાઓની એક કોન્ફરન્સ યોજે છે જે પ્રથમ વખત પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ હતી અને હવે તા. 18 થી 20 દરમિયાન ફરી એક વખત આ કોન્ફરન્સ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાઈ રહી છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટોરેસની હાજરીમાં ‘લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ’ (લાઇફ) પ્રોગ્રામને લોન્ચ કરશે. જે કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત જૂન માસમાં કરી હતી અને નીતિ આયોગ તેનું અમલીકરણ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત તેમની ભારત મુલાકાત દરમિયાન કેટલાક ફિલ્ડ પ્રોજેક્ટ કે જે પર્યાવરણ સમસ્યાઓ અને ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રશ્ર્નો વિશ્ર્વભરમાં ઉભા થયા છે તેના ઉકેલ માટે ભારતમાં ચાલી રહેલા આયોજનની પણ મુલાકાત લેશે. કેવડીયા કોલોની ખાતે વિશ્ર્વમાં ભારતીય રાજદૂતની વાર્ષિક હેડ ઓફ મિશન કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં 120 દેશોમાં ભારતના રાજદૂતો તા. 19 થી 22 સુધી ભાગ લેશે અને વિદેશ મંત્રી એસ. જયશંકર આ માટે તા. 17ના રોજ ગુજરાત આવી રહ્યા છે અને તા. 18નાં રોજ જે ડીફેન્સ એકસ્પો શરૂ થનાર છે તેમાં પણ તેઓ હાજરી આપશે.