દિવ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી શનિવારે અને રવિવારે સંપૂર્ણ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ કર્ફ્યુ 17 એપ્રિલ શનિવારથી જ્યાં સુધી નવા આદેશ ના કરવામાં આવે ત્યાં સુધી દર શનિવાર અને રવિવારે લાગુ રહેશે. આ દરમ્યાન ઈમરજન્સી સેવાઓ જેવી કે મેડિકલ સેવા, ફૂડ ડિલિવરીની સેવા, ઔદ્યોગિક એકમોના કર્મચારીઓની અવર જવરને બાકાત રાખવામા આવી છે. આ ઉપરાંત પોલીસ જવાનો, મિલીટરી અને પેરા મિલીટરી ફોર્સના જવાનો, ડોક્ટર, ઈમરજન્સી સેવામાં રોકાયેલ સરકારી કર્મચારીને પણ આ કર્ફ્યુ લાગુ પડશે નહીં. દિવમાં કોરોનાના કેસો પ્રમાણમાં ઓછા રહ્યા છે. 14 એપ્રિલની આધિકારિક માહિતી મુજબ દિવમાં હાલ 32 કોરોનાના એક્ટિવ કેસો છે. આ 32 કોરોના પોઝીટિવ કેસોના રહેઠાણના 21 સ્થળોને હાલ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પૈકી 10 સ્થળો દીવમાં, 8 ઘોઘલા, 2 વણાકબારા અને 1 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બૂચરવાડા ખાતે જાહેર કરવામાં આવ્યો છે.
દિવનું અર્થતંત્ર પર્યટન ઉપર નભે છે. શનિવારે તથા રવિવારે પર્યટકોનો ઘસારો રહેતો હોય છે. અગાઉ જ્યારે બીચ, બગીચા જેવા પર્યટન સ્થળો કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યા હતા ત્યારથી દિવમાં આવતા પર્યટકોની સંખ્યા ખૂબ ઘટી ગઈ હતી. હવે જ્યારે વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દિવના પર્યટન ઉદ્યોગને મોટી અસર થશે. પરંતુ જાન હે તો જહાં હે એમ સમજી હાલ અર્થતંત્રને પડતો માર સહન કરી લોકોને કોરોનાથી બચાવવાનો નિર્ણય સ્થાનીય પ્રશાશન દ્વારા કરવામાં આવ્યો છે જે આવકારદાયક માનવમાં આવી રહ્યો છે.