ગુજરાતમાં તાઉ તે વાવાઝોડા બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં ઉકળાટ તેમજ બફારો વધતા લોકો પરસેવે રેબઝેબ થવા લાગ્યા છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 15થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. ગત વર્ષે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અંદાજે 44.77 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 27 મેથી 2 જૂનની વચ્ચે નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ શકે છે. જ્યારે 22મેથી આંદમાનના સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું શરૂ થઈ શકે છે. અને આગામી 26મે સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. એટલે આ સ્થિતિને જોતા એવું માની શકાય કે ગત વર્ષ કરતા નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે વહેલું આગમન કરી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 23 અને 24 મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં મેઘમહેર જોવા મળશે. અમદાવાદમાં આજે 36 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યભરમાં આગામી 4-5 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિંવત છે. હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે. હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે.