Saturday, April 12, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપ્રાણી કલ્યાણમાં સર્વોતમ કામગીરી બદલ અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત નેશનલ પ્રાણી મિત્ર...

પ્રાણી કલ્યાણમાં સર્વોતમ કામગીરી બદલ અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત નેશનલ પ્રાણી મિત્ર એવોર્ડ

અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત ‘પ્રાણી મિત્ર’ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. આ એવોર્ડ ‘કોર્પોરેટ’ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. હાથીઓના રેસ્ક્યુ, ઉપચાર અને આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા વનતારાની સંસ્થા, રાધેક્રિશ્ન ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનની આ એવોર્ડ દ્વારા કદર કરવામાં આવી છે.

- Advertisement -

આ સન્માનને મુખ્ય હકદાર વનતારાનું અત્યાધુનિક એલિફન્ટ કેર સેન્ટર છે, જે અત્યારસુધીમાં રેસ્ક્યુ કરાયેલા 240થી વધુ હાથીને સાંકળ-મુક્ત, સુરક્ષિત અને પ્રસન્ન વાતાવરણ પૂરું પાડે છે. આમાં સર્કસમાંથી રેસ્ક્યુ કરાયેલા 30 હાથી, ભાર વેંઢારવાની કામગીરી કરીને અધમૂઆ થઈ ગયેલા 100 કરતા વધુ હાથી, તેમજ બાકીના સવારી તેમજ શેરીઓમાં ભિક્ષાવૃત્તિના કામમાં જોતરાયેલા હાથીઓનો સમાવેશ થાય છે, જે બધાને રેસ્ક્યુ કરાયેલા છે. આમાંના ઘણા હાથીઓએ વર્ષોથી સતત ઉપેક્ષા તેમજ દુર્વ્યવહારનો સામનો કર્યો છે, પરંતુ વનતારા ખાતે તેઓને વિશ્વ-સ્તરીય પશુચિકિત્સા ઉપચાર તેમજ લાગણી સાથેની કાળજી પૂરી પાડવામાં આવે છે. હાથીઓની બંને- શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની ડિઝાઈન ધરાવતા આ સેન્ટરમાં હાથીઓને મુક્ત રીતે વિહરવા દેવાય છે. આ ઉપરાંત ખાસ તૈયાર કરાયેલા 998 એકર જમીનમાં ફેલાયેલા માનવસર્જિત વન વિસ્તારમાં તેઓને એકબીજા સાથે સામાજિક નાતો કેળવવા તેમજ અન્ય રમતિયાળ પ્રવૃત્તિઓમાં જોડાવવા દેવાય છે. અહીં તેઓ વિહાર કરવાની સાથે કાદવ-કીચડમાં મોજમસ્તી કરી શકે છે અને ધૂળિયા ઢગલામાં તેમજ કુદરતી તળાવોમાં સ્નાનનો આનંદ પણ માણી શકે છે.

ભારત સરકારના રાજ્યકક્ષાના માછીમારી, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રી દ્વારા નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે આજે એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો.

- Advertisement -

વનતારાના સીઈઓ વિવાન કારાણીએ આ સન્માનનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, આ એવોર્ડ એ અસંખ્ય લોકોને એક સાદર અંજલિરુપ છે કે જેમણે ભારતના પશુધનની કાળજી લઈને તેના રક્ષણ માટે પોતાના જીવન ખપાવી દીધા છે. વનતારા ખાતે, પ્રાણીઓની સેવા કરવી એ માત્ર ફરજ નથી- પરંતુ તે અમારો પરમ ધર્મ અને સેવા છે, જેની વચનબદ્ધતાનો આધાર કરુણા અને સાથેની જવાબદારીના ભાવમાં રહેલો છે. પ્રાણીઓના કલ્યાણના માપદંડોને સતત ઊંચા લાવવા, અસરજન્ય પહેલો આદરવા, તેમજ ભારતના સમૃદ્ધ જૈવવૈવિધ્યનું આવનારી પેઢીઓ માટે જતન કરવાના અમારા મિશનને પાર પાડવા અમે અવિરત પ્રયાસો કરી રહ્યા છીએ.

છેલ્લા પાંચ વર્ષથી સરકારી નિગમો, પીએસયુ, સરકારી સંસ્થાઓ તેમજ સહકારી એકમોને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે તેમના અવિરત યોગદાન બદલ કોર્પોરેટ કેટેગરીમાં પ્રાણી મિત્ર એવોર્ડ અપાય છે. આમાં પ્રાણી કલ્યાણની પહેલો માટે સમર્પિત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

વનતારા ખાતેના એલિફન્ટ કેર સેન્ટરમાં વિશ્વની સૌથી મોટી હાથીઓ માટેની ખાસ હોસ્પિટલ આવેલી છે. અહીં એલોપથી તેમજ આયુર્વેદ જેવા વૈકલ્પિક ઔષધોપચારને એકીકૃત કરીને અદ્યતન પશુચિકિત્સા કાળજી પૂરી પાડવામાં આવે છે અને હાથીઓને લાંબા સમયથી થયેલા રોગોનો ઈલાજ પૂરો પાડવા સાથે એક્યુપંક્ચર દ્વારા તેમનું પીડાશમન પણ કરાય છે. તેની અત્યાધુનિક મેડિકલ સુવિધામાં હાયડ્રોથેરાપી સરોવરનો સમાવેશ થાય છે જેની ચોતરફની દિવાલો પર હાઈ-પ્રેશર વોટર જેટ્સ લાગેલા છે જેના વડે હાથીઓના સંધિવાનો ઈલાજ કરાય છે. આ ઉપરાંત તેમના ઘા ઝડપથી રૂઝાય તે માટે હાઈપરબેરિક ઓક્સિજન ચેમ્બર ઉપલબ્ધ છે, જ્યારે તેમના પગનો પણ એકધારો ઈલાજ થઈ શકે તે માટે પેડિક્યોર નિષ્ણાત પણ મોજૂદ રહે છે. હાઈડ્રોલિકલી ઓપરેટેડ સર્જિકલ પ્લેટફોર્મ તેમજ સ્પેશયલાઈઝ લિફ્ટીંગ ઈક્વિપમેન્ટ હાથીઓના ઈલાજની તમામ પ્રક્રિયાઓને તણાવમુક્ત રાખે છે અને અત્યારસુધીના સૌથી લાંબા કસ્ટમાઈઝ એન્ડોસ્કોપ સાધન વડે શરીરની અંદરના અંગોની સમસ્યાઓનું પણ સચોટ નિદાન શક્ય બને છે. આ સેન્ટરમાં વિશ્વના સૌથી મોટા સાંકળ-મુક્ત મુશ એન્ક્લોઝર્સ રખાયા છે જ્યાં હાથીઓને મેદકાળ દરમિયાન સુરક્ષિત રીતે સાચવવામાં આવે છે. આ ઉપરાંત ત્રણ હાથીનો એક સાથે ઈલાજ થઈ શકે તે રીતે હોસ્પિટલની ડિઝાઈન તૈયાર કરાઈ છે, જેનાથી સચોટ અને ઉચ્ચ-ગુણવત્તાશીલ તબીબી કાળજી સુનિશ્ચિત કરી શકાય છે.

વનતારા દ્વારા હાથીઓ માટેની ખાસ એમ્બુલન્સના સૌથી મોટા કાફલાનું સંચાલન પણ કરાય છે. આમાં 75 કસ્ટમ-એન્જિનિયર્ડ વાહનો સામેલ છે જે હાઈડ્રોલિક લિફ્ટ, રબર મેટ ફ્લોરિંગ, વોટર થ્રુ, શાવર્સ અને કેરટેકર કેબિન જેવી સુવિધાઓથી સજ્જ છે. આના પગલે રેસ્ક્યુ કરાયેલા હાથીની સફરને સુરક્ષિત અને તણાવમુક્ત બનાવવાનું સુનિશ્ચિત કરી શકાય છે. આ પ્રકારની પહેલવહેલી સુવિધા ધરાવતા અથાગ પ્રયાસો દ્વારા, વનતારા હાથીઓની નૈતિક રીતે જાળવણી ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે અને તેમને સર્વોત્તમ પશુચિકિત્સા તથા આજીવન કાળજી પૂરી પાડી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular