કાલાવડ તાલુકના કૃષ્ણપુર (દુધાળા) ગામની સીમમાં આવેલી પટેલ વૃધ્ધના ખેતરમાં ચાર શખ્સોએ ધસી આવી કોર્ટમાં કરેલ કેસનો ખાર રાખી પત્થર વડે માર માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જામનગરના ધરારનગર-1 માં યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ, રાજકોટમાં કાલાવડ રોડ પર રહેતા નિવૃત્ત પ્રેમજીભાઈ માધાભાઈ ડોમડિયા (ઉ.વ.61) નામના વૃધ્ધ ગત રવિવારે બપોરના સમયે કાલાવડ તાલુકાના કૃષ્ણપુર(દુધાળા) ગામની સીમમાં આવેલા તેના ખેતરે હતાં તે દરમિયાન રાજકોટના પ્રવિણ રાજા વસોયા અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સો ધસી આવ્યા હતાં અને ખેતરમાં રસ્તાની બાબતે કાલાવડ કોર્ટમાં અને પ્રાંત કચેરીમાં કરેલા કેસનો ખાર રાખી ત્રણ અજાણ્યા શખસોએ પ્રેમજીભાઈને પકડી રાખ્યા હતાં. જ્યારે પ્રવિણ રાજાએ પત્થરના ઘા મારી લોહી-લુહાણ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ થતા હેકો બી.એન. ચોટલીયા તથા સ્ટાફે પ્રેમજીભાઈના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ધરારનગર-1 માં રહેતાં અબ્દુલ મામદ કકકલ નામના યુવાન ઉપર સોમવારે સવારના સમયે અબ્દુલ કાસમ શેખ, જાફર કાસમ શેખ અને મુસ્તાક શેખ નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જે.બી. ઝાલા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કૃષ્ણપુરની સીમમાં આવેલા ખેતરમાં વૃધ્ધ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો
કાલાવડ કોર્ટ કેસનો ખાર રાખી તૂટી પડયા : પત્થર વડે માર મારી ધમકી આપી : જામનગરના ધરારનગરમાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો