જામનગરમાં ઠેબા ચોકડી પાસે રહેતાં વૃદ્ધ સાથે ચાર શખ્સોએ અન્ય વ્યકિતની મકાનોના સમજૂતી કરાર કરી રૂા.26.75 લાખની રકમ મેળવી લઇ મકાન નહીં આપી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલા શારદા પાર્ક વિસ્તારમાં રહેતાં જિવણભાઇ સાજાભાઈ હાથિયા નામના નિવૃત્ત વૃધ્ધને જામનગરમાં રહેતાં ભાવેશ ડાયા રાઠોડ નામના શખ્સે તેની પોતાની માલિકીના જમીન અને મકાન ન હોવા છતાં આ મકાન વેંચાણ માટે જીવણભાઈને 2019 થી આજ દિન સુધીમાં વિશ્વાસમાં લઇ ભાવેશે જામનગરના શૈલેષ ડાયા રાઠોડ, ડાયા રામજી રાઠોડ અને ઉપલેટા તાલુકાના અરણી ગામના જમન સવજી કાછડિયા સહિતના શખ્સો સાથે એકસંપ કરી મનસુખભાઈ રામજીભાઈ રાઠોડ તથા ગોવિંદભાઈ ગોરાભાઈ મકવાણાને મકાનનો સમજૂતી કરાર બનાવી આપી મકાનની અવેજી પેટે રૂા.26.75 લાખની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ આ ચાર શખ્સોએ મકાનનો કબ્જો નહીં સોંપતા વૃદ્ધ દ્વારા મકાન અથવા તો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પરંતુ ચારેય શખ્સોએ કોઇ જવાબ નહીં આપતા આખરે જીવણભાઇ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
જેના આધારે પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે જીવણભાઇના નિવેદનના આધારે ભાવેશ ડાયા રાઠોડ, શૈલેષ ડાયા રાઠોડ, ડાયા રામજી રાઠોડ, જમન સવજી કાછડિયા નામના ચાર શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.