જામનગર તાલુકાના સીક્કા નજીક નાગાણી સરમત વિસ્તારમાં સિમેન્ટના છાપરા ઉપરથી નકામો સર્વિસ વાયર ખેંચવા જતા નીચે પટકાતા ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા નાગાણી સરમતમાં રહેતાં મામદહાજી હસનહાજી કુંગડા (ઉ.વ.63) નામના વૃધ્ધ ગુરૂવારે સાંજના સમયે તેના ઘરની અગાસી પર હતાં ત્યારે સિમેન્ટના છાપરા ઉપર પડેલો સર્વિસ વાયર ખેંચવા જતા પતરુ તૂટી જવાથી નીચે પટકાતા વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં શુક્રવારે સાંજના સમયે વૃધ્ધનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મોસીનભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ આર.આર. કરંગીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.