જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આરટીઓ ઓફિસ જતા વૃદ્ધના એકટીવાને પાછળથી પૂરઝડપે આવતી ઈકો કારે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા બાઈકસવાર વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં સુરેશભાઈ હેમતલાલ બુધ્ધદેવ (ઉ.વ.65) નામના વૃદ્ધ સોમવારે બપોરના સમયે તેના જીજે-10-સીકે-1314 નંબરના એકટીવા બાઈક પર આરટીઓ ઓફિસે જતા હતાં તે દરમિયાન ખંભાળિયા હાઈ-વે પર આરટીઓ પોઇન્ટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવતી જીજે-37-બી-9253 નંબરની ઈકો કારના ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો હતો. બાદમાં બનાવની જાણ થતા હેકો એ.એમ.જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના ભાઈ નરેશકુમારના નિવેદનના આધારે ઈકો કારના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર નજીક આરટીઓ પાસે કારે ઠોકર મારતા વૃદ્ધનું મોત
સોમવારે બપોરે ઈકો કારે પાછળથી એકટીવાને હડફેટે લીધું : અકસ્માતમાં એકટીવાચાલક વૃધ્ધનું મૃત્ય: અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો