જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધ તેના બાઈક પર હડિયાણાથી જામનગર તરફ આવતા હતાં ત્યારે હડિયાણા અને ખીરી ગામના પાટીયા વચ્ચે પહોંચ્યા ત્યારે રસ્તામાં એકાએક ગાય આડી ઉતરતા બાઈક ગાય સાથે અથડાતા અકસ્માતમાં વૃધ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર શાકમાર્કેટ પાસે રાધિકા નિવાસની સામે રહેતાં લલિતભાઈ રવજીભાઈ નકુમ (ઉ.વ.69) નામના વૃધ્ધ ગત તા.14 ના રોજ બેસતા વરસના દિવસે સાંજના સમયે તેના બાઈક પર હડિયાણાથી જામનગર તરફ આવતા હતાં ત્યારે હડિયાણા અને ખીરી ગામના પાટીયા વચ્ચે મોગલ માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં અચાનક ગાય આડી ઉતરી બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં લલિતભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા બેશુધ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન બપોરના સમયે ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર જીગ્નેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.એમ.ભીમાણી તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.