દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકોમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” મિશન અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીમાં સહભાગી થઈ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન તથા લગત વિભાગોમાં સફાઈ અંગેની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જેમાં પોલીસના સરકારી રહેણાંકની વસાહતો, પોલીસ લાઈન, જુદા જુદા પોલીસ મથક તેમજ તેની શાખાઓમાં સ્વચ્છતા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. સાથે સાથે પોલીસ સ્ટાફ દ્વારા તમામ કચેરીઓ તેમજ પોલીસ લાઈનમાં સુશોભન અને નિયમિત સાફ-સફાઈ, તથા પોલીસ કમ્પાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરી અને સુશોભન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસની જે-તે શાખાના નામના બોર્ડમાં પણ પેઇન્ટિંગ કરાવી જરૂરી સુધારા વધારા પણ કરાયા હતા.
આ ઉપરાંત પોલીસ મથકના રેકોર્ડ વર્ગીકરણ કરી અને નાશપાત્ર ચીજ વસ્તુઓનો નિકાલ કરવા તેમજ પોલીસ સ્ટેશનમાં પડતર રહેલા દેશી દારૂના 17663 લિટર તથા તેમજ વિદેશી દારૂની 6841 બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પોલીસ તંત્ર દ્વારા પડતર વાહનોની નિયમ મુજબ હરાજી કરી અને કુલ 328 વાહનોનો નિકાલ કરી, રૂપિયા 20.85 લાખની ઉપજ પણ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી હતી.
આમ, લાંબા સમય પછી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી અને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.