આઇટી વિભાગની નવી વેબસાઇટમાં ઘણી બધી ટેકનિકલ સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉપાય શોધવા માટે આજે મંગળવારે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયના અધિકારીઓ અને વેબસાઇટ સંભાળતી કંપની ઇન્ફોસિસના નિષ્ણાંતો ભાગ લેશે.
દેશભરમાં આ વેબસાઇટ સાથે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ અંગે આજની આ બેઠકમાં મંથન કરવામાં આવશે. નાણાંમંત્રાલયે થોડાં દિવસ રાહ જોઇ પરંતુ કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલાં ફેરફારોથી નાણાંમંત્રાલય ખુશ નથી અને કરદાતાઓ આ વેબસાઇટથી પરેશાન છે. આ સ્થિતિના કારણે નાણાંમંત્રાલયે સમસ્યાઓ સાથે સંકળાયેલી બાબતો અંગે કંપની પાસેથી ઘણી જાણકારીઓ માંગી છે. આ જાણકારીઓના આધારે આ બેઠકમાં નાણાં મંત્રાલયના અધિકારીઓ ઇન્ફોસિસના નિષ્ણાંતો પાસેથી સમસ્યાઓ અંગે જવાબો મેળવશે.
અત્યાર સુધીમાં સરકારને ટેકનિકલ સમસ્યાઓ અંગે જે કાંઇ જાણકારીઓ પ્રાપ્ત થઇ છે. તેમાં પાસવર્ડ રિસેટ, નવું પાનકાર્ડ ડાઉનલોડ કરવું, ફોર્મ નંબર 26એએસ જોવું, જુના ઇન્કમ ટેકસ રિટર્ન જોવાં, રિફંડ માટે અરજી અપલોડ કરવી, જુની લેણદારીની જાણકારી તથા ઇન્કમ ટેકસ રિટર્નમાં સંશોધન સાથે જોડાયેલાં વિકલ્પોનો ઉપયોગ કરવો વગેરે ટેકનિકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે.