રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે 8 મહાનગરોમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો બંધ કરવાની સાથે પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.