જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા રૂા.9.50 લાખની કિંમતનો આઈસર ટ્રક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ચા પીવા ગયેલા પટેલ યુવાનનો મોબાઇલ અજાણ્યા તસ્કર ગણતરીની સેંકડોમાં જ ચોરી કરી ગયો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી વેરાવળના વતની અને જામનગરમાં રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં અને શિવ રોડવેઝ ટ્રાન્સપોર્ટ ચલાવતા વિજયભાઈ ચંદુલાલ બોડા નામના યુવાનની માલિકીનો રૂા.9,50,000 ની કિંમતનો એચઆર-68-બી-4601 નંબરનો આઈસર ટ્રક અજાણ્યા તસ્કરો ગત તા.18 ના સાંજથી 19 ના સવાર સુધીના સમય દરમિયાન મોરકંડાના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકની ચોરી કરી ગયા હતાં. આ અંગેની ટ્રાન્સપોર્ટર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે વિજયભાઈના નિવેદનના આધારે ટ્રક ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, અમદાવાદમાં રહેતા વેપારી કેતનભાઈ પટેલ નામના યુવાન ગત ઓગસ્ટ મહિનામાં ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે આવેલી ચા ની હોટલ પર ચા પીવા બેઠો હતો તે દરમિયાન અજાણ્યા તસ્કરે રૂા.29,999 ની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન ચોરી કરી ગયા હતાં. આ અંગેની કેતનભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.