દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ મંગળવારે રાત્રિના સમયે ચરકલા ફાટકવાળા રસ્તે હોટલ પાસે પહોંચ્યા ત્યારે રેતી ભરેલું ટ્રેકટર પસાર થતા પોલીસકર્મી એ અટકાવવાનું જણાવતા ચાલકે ટ્રેકટર બેફીકરાઈથી ચલાવી પોલીસકર્મી ઉપર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની વિગત મજુબ, દ્વારકામાં રહેતા અને સ્થાનિક પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ભૂપતસિંહ શાંતુભા વાઢેર નામના પોલીસ કર્મી મંગળવારે રાત્રિના સમયે તેમની ફરજ પર હતા. ત્યારે દ્વારકાથી આશરે પાંચ કિલોમીટર દૂર ચરકલા ફાટકવાળા રસ્તે આવેલી એક હોટલ પાસે તેઓ પોતાની જી.જે. 37 જે. 7702 નંબરની કાર મારફતે પહોંચતા આ માર્ગ પર ચોક્કસ ચેસીસ નંબર તથા એન્જિન નંબર વાળા ટ્રેક્ટરમાં દરિયાઈ રેતીનું વહન થતું હોવાથી પોલીસ કર્મી બી.એસ. વાઢેરે ટ્રેક્ટર ચાલકને પોતાનું વાહન અટકાવવા જણાવ્યું હતું. પરંતુ આરોપી એવા ટ્રેક્ટરના ચાલકે જાણી જોઈને પોતાનું ટ્રેક્ટર બેફિકરાઈપૂર્વક ચલાવી, અને પોલીસ કર્મચારીને ટ્રેક્ટર હેઠળ કચડી નાખીને જાનથી મારી નાખવાના ઈરાદાથી તેમને ઉપરોક્ત હ્યુન્ડાઈ મોટરકાર ઉપર પોતાનું ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેના કારણે પોલીસ કર્મીને હોઠ તથા માથાના ભાગે ઇજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, મોટરકારના જુદા-જુદા ભાગોમાં પણ વ્યાપક નુકસાની થયાનું પણ વધુમાં જાહેર થયું છે. આમ, આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે એ.એસ.આઈ. વાઢેરની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેકટરના ચાલક સામે ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવે છે.