જામનગર શહેરના ખોજાવાડમાં પીરચોક વિસ્તારમાં જુની અદાવતનો ખાર રાખી નવ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે યુવાન અને તેના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોજાવાડ પીરચોકમાં ટેકરા ઉપર રહેતાં લિયાકત ઉર્ફે લાલો અસગરભાઈ રુંજા (ઉ.વ.30) નામના યુવાનને અગાઉ મહોસીન ખફી નામના શખ્સ સાથે રકઝક થઈ હતી તે અદાવતનો ખાર રાખી શુક્રવારે રાત્રિના સમયે મહોસીન ખફી, અકરમ ઉર્ફે કાળો ખફી, મહમદ ઈકબાલ ઉર્ફે ટકી ખફી, નાઝીર ખફી, નાસીર ઉર્ફે કાન કાપલો ખફી, શાહરૂખ ખફી, સદામ બાડો, આબીદ બ્લોચ, નદીમ ખફી સહિતના નવ શખ્સોએ એકસંપ કરી ધોકા-પાઈપ અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો સાથે બાઈકમાં લિયાકતના ઘર પાસે આવી લિયાકત ઉપર હુમલો કર્યો હતો.
યુવાન ઉપર હુમલો થતા તેના પિતા અસગરભાઇ અને ભાઈ મુસ્તાક બંને બહાર દોડી આવ્યા હતાં અને વચ્ચે પડતા હુમલો કરવા આવેલા નવ શખ્સોએ પિતા અને ભાઈ પર પણ હુમલો કરી ઈજા પહોંચાડી પિતા અને બે પુત્રો સહિત ત્રણેયને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા પિતા અને બે પુત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઈજાગ્રસ્ત લિયાકાતના નિવેદનના આધારે નવ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ હુમલો અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.