Thursday, December 26, 2024
Homeરાજ્યખંભાળિયામાં અયોધ્યા જેવો માહોલ... રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ખંભાળિયામાં અદમ્ય ઉમંગ, ઉત્સાહ...

ખંભાળિયામાં અયોધ્યા જેવો માહોલ… રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ખંભાળિયામાં અદમ્ય ઉમંગ, ઉત્સાહ સાથે કરાઈ

બાઈક રેલીમાં ઐતિહાસિક સંખ્યામાં નગરજનો જોડાયા

- Advertisement -

પાંચ સદી જુના હિન્દુઓના સ્વપ્ન એવા અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણની તમામ અડચણો તેમજ પ્રક્રિયાઓ સંપન્ન થઈ ગયા બાદ આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશ સાથે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પણ આજે અનેક કાર્યક્રમોના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. આ પૂર્વે ગતસાંજે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોએ રામધૂન સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.

- Advertisement -

અયોધ્યામાં રામલલ્લાના નવનિર્મિત મંદિરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું છે. ત્યારે ખંભાળિયામાં પણ છેલ્લા ઘણા દિવસોથી સર્વત્ર રામ નામની ગુંજ સાંભળવા મળી રહી છે. ભગવાન શ્રી રામને અયોધ્યા મંદિરની ગાદી પર બેસાડવાના પ્રાણ પ્રતિષ્ઠાના આજરોજ આવેલા શુભ મુહૂર્ત પ્રસંગે ખંભાળિયામાં ઠેર-ઠેર ધાર્મિક આયોજનમાં સમગ્ર પંથકના લોકો સ્વૈચ્છિક રીતે અને હોંશભેર જોડાયા છે.

આ પૂર્વે ગઈકાલે સાંજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અહીંની મેઈન બજાર વિસ્તારમાં આવેલા દરબાર ગઢ ખાતે યુવા મંડળો તેમજ કાર્યકરો દ્વારા રામધૂન તથા શ્રીનાથજીની ઝાંખીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ રીતે ગઈકાલે રવિવારે રાત્રે અહીંના સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિર ખાતે પણ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. લોકોએ પોતાના ઘરના આંગણામાં ભગવાન શ્રીરામના નામની આકર્ષક રંગોળીઓ પણ બનાવી હતી.

- Advertisement -

આજરોજ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી જુદા જુદા માર્ગો તેમજ મંદિરો અને જાહેર સ્થળોને આકર્ષક રોશની તેમજ ધજા-પતાકા અને કમાનોથી સુશોભિત કરવામાં આવ્યા છે. આજરોજ સવારે શ્રી રામ સેવા ઉત્સવ સમિતિના નેજા હેઠળ હિન્દુ સંગઠનો તેમજ કાર્યકરો દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે અહીંની મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી આ બાઈક રેલી શરૂ થઈ હતી. જે શહેરના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, ચાર રસ્તા, વિગેરે વિસ્તારોમાં ફરી અને “જય જય શ્રી રામ” ના ગગન ભેદી નારાઓ સાથે બપોરે અહીંના શ્રી રામ મંદિર (નગર ગેટ) ખાતે સંપન્ન થઈ હતી. બાઈક રેલીના રૂટમાં વિવિધ સ્થળોએ તમામનું પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરી અને સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ બાઈક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં બાઈકો સાથે ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા. આ રેલી ઐતિહાસિક બની રહી હતી. આ આયોજન માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શ્રીરામ સેવા ઉત્સવ સમિતિ, સહિતની વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંડળો, યુવા કાર્યકરો અને તેમની ટીમ દ્વારા ખભ્ભેખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -

આ સાથે આજે બપોરે દરબાર ગઢ ચોક ખાતે સમૂહ આરતી તેમજ નગરપાલિકા ગાર્ડન ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આજે નગરજનોએ સંપૂર્ણપણે બંધ પાડ્યો હતો. તમામ નાના-મોટા ધંધાઓ દુકાનો ,ઓફિસો બંધ રહી હતી અને સૌ કોઈએ આ રામ પર્વની અનેરા ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. એકંદરે છેલ્લા બે દિવસથી ખંભાળિયામાં જાણે અયોધ્યા જેવો માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. આ સાથે પોલીસ તંત્ર દ્વારા સર્વત્ર બંદોબસ્ત, પેટ્રોલિંગ તેમજ ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular