જામનગર તાલકુાના બજરંગપુર ગામમાં રહેતા પ્રૌઢ તેની બાઈક પર શાકબકાલુ લઇ કાલાવડથી બજરંગપુર આવતા તે દરમિયાન વૃધ્ધાશ્રમ નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવતી કારે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માત બાદ ચાલક વાહન મુકી નાશી ગયો હતો.
અકસ્માતની ઘટનાની વિગત મુજબ, જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતાં વિનોદભાઈ માવજીભાઈ સદાદીયા (ઉ.વ.51) નામના પ્રૌઢ બુધવારે સવારના સમયે કાલાવડથી શાકબકાલુ લઈ તેના જીજે-10-એલ-3108 નંબર બાઈક પર બજરંગપુર આવતા હતાં. તે દરમિયાન પીયાવ વૃધ્ધાશ્રમથી રણુજા વચ્ચેના માર્ગ પરથી પસાર થતા હતાં ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઇથી જીજે-25-એ-1246 નંબરની મારૂતિ વેનના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિનોદભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક તેની મારૂતિ વેન સ્થળ પર મૂકી પલાયન થઈ ગયો હતો.
આ અંગેની જાણ થતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના કૌટુંબિક ભત્રીજા રાહુલ સદાદીયાના નિવેદનના આધારે મારૂતિ વેનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
કાલાવડ નજીક મારૂતિ વેને ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત
શાકબકાલુ લઈ બજરંગપુર જતાં સમયે અકસ્માત: પ્રૌઢના મૃત્યુ બાદ ચાલક વેન મુકી પલાયન : પોલીસ દ્વારા વેનચાલકની શોધખોળ