દેશભરમાં દૂધ સહિતની ડેરી પ્રોડકટસનો તોતિંગ વ્યવસાય કરતી અમુલ ડેરી દ્વારા થોડાં થોડાં સમયે દૂધ સહિતની પ્રોડકટસના ભાવોમાં વધારો કરવામાં આવે છે. પરંતુ કંપની આ ભાવવધારાનો લાભ પશુપાલકોને કયારેક જ આપે છે. તાજેતરમાં કંપનીએ દૂધના ભાવોમાં વધારો કર્યો છે. પરંતુ કંપનીને દૂધ પહોંચાડતા પશુપાલકોને આ ભાવવધારાનો ફાયદો આપ્યો નથી. આ અંગે કિસાનસંઘ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
અમૂલ દ્વારા હાલમાં દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પણ તે વધારાનો ભાવ પશુપાલકોને મળતો નથી એવી રજૂઆત કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. સંઘ ક્હે છે, દૂધ ઉત્પાદકોનું શોષણ થાય છે, તે અટકાવવા દરેક ડેરીએ ખરીદભાવ વધારવાની ખાસ જરૂર છે. અત્યારે મોંઘવારીને લીધે ખાણદાણ, ચારો, મજૂરી વગેરે મોંઘા થઈ ગયા છે એટલે ઉત્પાદકો મુશ્કેલીમાં છે. અમૂલે ભાવવધારો કર્યો છે તેનો ફાયદો સીધો જ પશુપાલકોને મળવો જોઈએ તેવી માગ મુખ્યપ્રધાન અને અમૂલ સમક્ષ કરવામાં આવી છે.
રાજકોટ ડેરીમાં ગયા વર્ષે ઉનાળામાં 7 રૂપિયા ક્લોફેટનો ભાવ હતો. મોંઘવારી અને અમૂલના ભાવવધારા છતાં આ વર્ષે રૂ. 6.55 કરતા વધારે ચૂકવ્યા નથી. રાજકોટ ડેરીએ અમૂલના ભાવવધારા પછી ફક્ત 10 પૈસાનો વધારો આપ્યો છે. બાકીનો વધારો ક્યાં ગયો તેવો સવાલ કિસાન સંઘે કર્યો છે.
કિસાન સંઘે કહ્યું કે, અમૂલ ગોલ્ડ વેચે તો વેચાણ બેગમાં આપેલ ફેટ 6 હોય છે. વેચાણ ભાવ રૂ. 58 પ્રતી લિટર છે. પશુપાલકોને લિટરે રૂ. 39.9 પ્રતિ ફેટ અપાય છે. અમૂલને મળતો કાચો ભાવફરક રૂ. 18.10 છે.
ઓછા ભાવમાં ખરીદ કરેલું દૂધ ઉંચા નફે વેચીને કિસાનોનું શોષણ કરવામાં આવે છે. બેફામ ખર્ચા કરીને દૂધ સંઘના અધિકારીઓ સુવિધાઓ ભોગવે છે અને પશુપાલકોના નાણાનો વ્યય કરે છે. કિસાન સંઘ કહે છે, પશુપાલકો બાળકોને પણ દૂધ આપતા નથી અને સંઘને વેચવા માટે લઈ જાય છે પણ વળતરનાં નામે લૂંટ ચાલી રહી છે.
અમુલે દૂધમાં ભાવવધારો ઝિંકયો પણ પશુપાલકોને ફાયદો આપ્યો નથી !
પશુપાલકોનું શોષણ કરતી અમુલ કંપની દૂધની એક થેલીએ 18 રૂપિયા કમાય છે !