જામનગર જિલ્લાના મેઘપર નજીક ખંભાળિયાથી આવતી એમ્બ્યુલન્સના ચાલકે કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે અથડાતા એક યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે એમ્બ્યુલન્સના ચાલકને નાની મોટી ઇજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયાથી જામનગર આવતી જીજે-14-એએ-5188 નંબરની એમ્બ્યુલન્સમાં રસિલાબેન કણઝારિયા નામના દર્દીને સારવાર માટે લઇ આવતાં હતાં તે દરમિયાન રવિવારે બપોરના સમયે આ એમ્બ્યુલન્સ જામનગર જિલ્લાના મેઘપર નજીક પહોંચી ત્યારે એમ્બ્યુલન્સના ચાલક અનિલ કછેટિયાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં બેઠેલા અંશ વિજયભાઈ કછેટિયા (ઉ.વ.21) નામના યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક અનિલ કછેટિયાને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી જયેશ કણઝારિયાના નિવેદનના આધારે એમ્બ્યુલન્સના ચાલક અનિલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.