ભાણવડ સ્થિર કન્યાશાળાના ઈંગ્લીશ મીડીયમ વિભાગમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા આઠ શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની ભાણવડ તાલુકા શાળા નં. 3 (કન્યાશાળા) જિલ્લાની એકમાત્ર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ધોરણ 1 થી 8 માં 190 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમના અભ્યાસાર્થે કુલ પાંચ પ્રવાસી શિક્ષકોની માનદ વેતનથી નિમણુક કરવામાં આવી હતી. માનદ વેતનથી ફાળવવામાં આવેલા પ્રવાસી શિક્ષકોને તા. 23 જાન્યુઆરીના રોજ સમયાવધિ પૂર્ણ થતા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકના આદેશાનુસાર છુટા કરવામાં આવ્યા હતા.
ભાણવડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના અહેવાલ મુજબ બે જ્ઞાન સહાયક શિક્ષકો, ત્રણ શિક્ષક અન્ય શાળામાંથી તેમજ ત્રણ શિક્ષકો લોક સહયોગથી એમ કુલ આઠ શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષકોની ઘટનાં લીધે વિધાર્થીઓના શિક્ષણ કાર્યમાં વિક્ષેપ પાડ્યો નથી તેમ પણ વધુમાં જણાવાયું છે.