અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર દેશની સાથે દ્વારકા જિલ્લામાં પણ ઉજવણીનો માહોલ સર્જાયો હતો અને ઠેર ઠેર અનેક વિધ કાર્યક્રમ યોજાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
આ મહોત્સવ અંતર્ગત દ્વારકા જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણ 505 પરિવાર દ્વારા જગત મંદિર પરિસરમાં સુંદર કાર્યક્રમ યોજાયા હતા. જેમાં જગત મંદિર પરિસર ખાતે અયોધ્યાનો લાઈવ ટેલીકાસ્ટ રાખવામાં આવ્યું હતું અને બપોરે 12:15 કલાકે અયોધ્યાની સાથે દ્વારકા જગત મંદિરથી પણ રામલલ્લાની મહા આરતી કરવામાં આવી હતી. જગત મંદિરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જગત મંદિર શિખરની આરતી કરવામાં આવી હતી. પૂજારી પરિવાર, પોલીસ તંત્ર વહીવટી તંત્ર, જગત મંદિર વહીવટી સમીતી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અયોધ્યા ખાતે જ્યારે આરતી કરવામાં આવી તેની સાથે જ દ્વારકામાં પણ ભગવાન શ્રીરામની સાથે ભગવાન શ્રી દ્વારકાધીશની મહા આરતી કરવામાં આવી હતી. અને ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો
સાંજના સમયે દ્વારકા સંકીર્તન મંદિર દ્વારા મહારેલીનું આયોજન હાથ ધરાયું હતું. તેમજ દ્વારકાના મુખ્ય માર્ગો, ગલીઓ તેમજ ચોક પર ભક્તોએ આરતી તેમજ પૂજા વિધિ કરી હતી
આજે જગત મંદિરના શિખર પર ભગવા ધ્વજાજી લહેરાતા જાણે કે આખા જગતની સાથે દ્વારકા જગત મંદિર પણ રામમય બન્યું હોય તેવો અહેસાસ પ્રતિત થતો હતો. પૂજારી પરિવાર સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હિતેશ ભગોરા તેમજ જગત મંદિરના ડી.વાય.એસ.પી. સમીર સારડાએ સુચારૂ વ્યવસ્થા ગોઠવી હતી.