જામનગર શહેરમાં કોરોના મહામારી અન્વયે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળાને ધ્યાને લઇ ઘટીત કાર્યવાહી કરવા જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષનાનેતા અલ્તાફ ખફી દ્વારા ચીફ જસ્ટિસને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતભરમાં અને ગુજરાતમાં કોરોના મહામારીને અન્વયે વહીવટી તંત્રની બેદકારી અણઆવડત અને કામમાં લાપરવાહી અને શહેરીજનોને પડતી હાલાકી-મુશ્કેલીઓને પરિણામે લોકોને પારાવાર યાતનાઓ ભોગવવી પડે છે તેમજ બેદરકારીના કારણે મૃત્યુદર પણ દિવસને દિવસે વધી રહ્યો છે. જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલ એ સરકારી હોસ્પિટલ છે જેમાં બેડની સંખ્યા વધારવા છતાં 1200 ની સામે અત્યારે 1900 થી વધુ દર્દીઓથી હોસ્પિટલ ફુલ થઈ ગઇ છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં પણ કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે તેમ છતાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગે છે જે વહીવટી તંત્રની નિષ્ફળતા દેખાડે છે.
હોસ્પિટલની આજુબાજુ દર્દીઓ માટે પૂરતા ફળો, પોષ્ટિક ખોરાક મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સામાજિક જવાબદારી ગણી રાહત કાર્યોની જેમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, વહીવટી તંત્ર દ્વારા દર્દીઓના સગા-વ્હાલાઓ અને સેવાભાવી કાર્યકરોને પણ નિયમોને જડતાની નામે હેરાનગતિ થાય છે. હોસ્પિટલ સામેની દુકાનો સોશિયલ ડિસ્ટન્સીંગના નામે બંધ કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને ચા-પાણી-દૂધ-ફ્રુટ-જ્યુસ જેવી વસ્તુઓ મળતી નથી. એના કારણે કેટલાંક લેભાગુઓ આની મજબુરીને કારણે ઉંચા ભાવે વેંચાણ કરી રહ્યા છે.
શહેરમાં અલગ-અલગ જગ્યાએ રસીકરણના કેમ્પ કરવામાં આવે છે તે કેમ્પો ફકત ફોટોસેશન બની ગયા છે. કીટના અભાવે ટેસ્ટીંગ પણ ઓછા થઈ ગયા છે. તેમજ જી જી હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો પણ પૂરો થઈ જાય છે તેમજ હોસ્પિટલની આજુબાજુ ખાનગી હોસ્પિટલો પણ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આથી આ બધી પરિસ્થિતિને કારણે વહીવટીતંત્ર ની નિષ્ફળતા હોય આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.
જામનગરમાં કોરોના મહામારીમાં વહીવટીતંત્રની નિષ્ફળતાનો આક્ષેપ
વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી રજૂઆત