પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાવાઝોડાથી સંભવિત વિસ્તારોની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેઓએ યાસથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ અવલોકન કર્યું હતું અને પશ્ચિમબંગાળ પહોચીને રીવ્યુ મીટીંગમાં ભાગ લીધો હતો. પરંતુ આ મીટીંગ માટે પીએમ મોદી અને રાજ્યપાલ જગદીપ ધનખડએ લગભગ 30મિનીટ સુધી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાહ જોઈ.
વાવાઝોડા સબંધી રીવ્યુ મીટીંગમાં 30 મિનીટ મોડા પહોચ્યા બાદ મમતા બેનર્જીએ વાવાઝોડાની અસરથી જોડાયેલા દસ્તાવેજ કેન્દ્ર સરકારના અધિકારીઓને સોંપીને ત્યાંથી ચાલ્યા ગયા. તેઓનું કહેવું હતું કે તેમણે બીજી પણ મીટીંગમાં ભાગ લેવાનો છે. મમતા બેનર્જીએ સોંપેલા દસ્તાવેજોમાં 20હજાર કરોડના નુકશાનનો ઉલ્લેખ હતો અને રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી હતી.
આ ઘટનાને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યું- પશ્ચિમ બંગાળની આજની ઘટનાઓ ચોંકાવનારી છે. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વ્યક્તિ નથી પણ સંસ્થા છે. બંને લોકસેવાના સંકલ્પ અને બંધારણ પ્રત્યેની નિષ્ઠાની શપથ લઇ ઉત્તરદાયિત્વ સંભાળે છે.
વડાપ્રધાન મોદી બંગાળ અને ઓડિશાના પ્રવાસ પર છે. તેમણે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. આ પહેલાં તેઓ ઓડિશા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે યાસને કારણે પહોંચેલી અસર બાબતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.